રાજ્યમાં 11 માર્ચથી ગુજરાત એજ્યુકેશન બોર્ડ અને હાયર સેકન્ડરી બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષાઓને શાંતિપૂર્ણ રીતે અને સારા વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારના ગેરરીતિના બનાવો ન બને તેને લઈને બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.
ગુજરાતમા ધોરણ 10માં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની મળીને કુલ 6.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ગુજરાત માધ્યમિક -ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત માર્ચ 2024 ધોરણ-10 અને 12ની પરીક્ષા અંતર્ગત અમદાવાદ ગ્રામ્યના તમામ વિદ્યાર્થીઓ-વાલીઓ સરળતાથી પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે એ માટે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કુલ 262 પરીક્ષા કેન્દ્રોના ડિજિટલ રોડ મેપની લીંક્સની એક કોમન PDF બનાવીને તમામ શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે.જિલ્લાનાં તમામ 9 તાલુકાઓના તમામ પરીક્ષા કેન્દ્રોના ગૂગલ લોકેશનની લિંક સહિત પરીક્ષા કેન્દ્ર નંબર, બિલ્ડિંગ નંબર, પરીક્ષા સ્થળનું નામ, સ્થળ સંચાલકનું નામ અને તેમના મોબાઈલ નંબર પણ આ PDF માં પરીક્ષા કેન્દ્ર અનુસાર દર્શાવવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા તમામ શાળાઓને તેમના વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આ PDF પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે.