નાયબ સિંહ સૈનીએ હરિયાણાના 11મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

નાયબ સિંહ સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે. ગયા વર્ષે 2023માં તેમને હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

New Update
નાયબ સિંહ સૈનીએ હરિયાણાના 11મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

કુરુક્ષેત્રના બીજેપી સાંસદ નાયબ સિંહ સૈનીએ હરિયાણાના 11મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ લેતા પહેલા સ્ટેજ પર પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પગે લાગ્યા હતા.મંગળવારે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ સૈનીને ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી 54 વર્ષના નાયબ સિંહ સૈની રાજભવન પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. સૈનીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાવા બદલ પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો હતો.

સૈની મનોહર લાલની નજીક છે. તેમને 27 ઓક્ટોબર 2023ના રોજ જ હરિયાણા બીજેપીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.નાયબ સિંહ સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે. ગયા વર્ષે 2023માં તેમને હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. નાયબ સિંહ સૈની પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના વિશ્વાસપાત્ર ગણાય છે. સૈનીને સંગઠનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. 1996માં તેમને હરિયાણા ભાજપના સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવી હતી. એ બાદ વર્ષ 2002માં નાયબ સૈની અંબાલા ભાજપ યુવા મોરચાના જિલ્લા મહામંત્રી બન્યા હતા.

2005માં નાયબ સિંહ સૈની ભાજપ અંબાલા યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ બન્યા. આ પછી તેમને બીજેપી હરિયાણા કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2012માં સૈનીને બઢતી આપીને અંબાલાના જિલ્લા અધ્યક્ષ બનાવાયા. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેમને નારાયણગઢથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ જીતીને વિધાનસભા પહોંચ્યા હતા.નાયબ સિંહ સૈનીને મનોહર લાલ ખટ્ટરની નજીક હોવાનો ફાયદો પણ થયો. વર્ષ 2016માં તેમને ખટ્ટરના નેતૃત્વવાળી હરિયાણા સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને કુરુક્ષેત્રથી ટિકિટ આપતાં તેઓ સાંસદ બન્યા હતા.

Latest Stories