Connect Gujarat
દેશ

ODI World Cup : વેસ્ટ ઈન્ડીઝ ટીમ ક્રિકેટ વર્લ્ડ કપમાંથી બહાર, સ્કોટલેન્ડે હરાવીને કર્યો ઉલટફેર

ODI World Cup : વેસ્ટ ઈન્ડીઝ ટીમ ક્રિકેટ વર્લ્ડ કપમાંથી બહાર, સ્કોટલેન્ડે હરાવીને કર્યો ઉલટફેર
X

2 વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનારા ODI વર્લ્ડકપમાં જગ્યા બનાવવાનું ચૂકી ગઈ છે. આ પ્રથમ વખત બનશે જ્યારે વર્લ્ડકપ વિન્ડીઝ વિના રમાશે. વેસ્ટ ઈન્ડિઝ એકદમ મામુલી ગણાતી સ્કોટલેન્ડની ટીમ સામે હારીને વર્લ્ડકપની રેસમાંથી જ બહાર ફેંકાઈ જતા ક્રિકેટ જગતમાં સનસનાટી મચી જવા પામી છે.

ICC ક્રિકેટ વર્લ્ડકપ ક્વોલિફાયર 2023ની સુપર સિક્સ મેચમાં સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું હતું. આમ સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ જેવી અનુંભવી ગણાતી ટીમને વર્લ્ડકપ 2023 માંથી બહાર કરી દેતા એકથી એક આક્રમક અને પ્રભાવશાળી ખેલાડીઓથી ભરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. વિન્ડીઝની ટીમ 48 વર્ષમાં પહેલીવાર ODI વર્લ્ડકપમાં નહીં રમે.

વેસ્ટ ઈન્ડિઝે આપેલા 182 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સ્કોટલેન્ડની ટીમે 3 વિકેટના નુકસાને 185 રન બનાલી લેતા આ મેજર અપસેટ સર્જાયો હતો. સ્કોટલેન્ડ તરફથી બ્રાન્ડોન મેકકુલન અને વિકેટકીપર ઓપનર મેથ્યુ ક્રોસે 54 રન બનાવ્યા હતા.

ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી વર્લ્ડકપ ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં બે ભૂતપૂર્વ ચેમ્પિયન અને મજબૂત ટીમો વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાના રૂપમાં ઘણી નાની ટીમોનો સામનો કરવો પડ્યો હતો. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા એવું માનવામાં આવતું હતું કે, બંને ટીમ સરળતાથી ક્વોલિફાય થઈ જશે. શ્રીલંકા વર્લ્ડકપની ટિકિટ મેળવવાની અણી પર છે પરંતુ વિન્ડીઝ ટીમને તેના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરવો પડ્યો હતો.

Next Story