/connect-gujarat/media/post_banners/d36d1475ea1be195c667b9f0069700637289086f8e8eff55d8985e1bed02b70b.webp)
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ગુરુવારે બે દિવસની ભારતની સત્તાવાર મુલાકાતે જયપુર પહોંચ્યા હતા. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું. મેક્રોન આ વર્ષે ગણતંત્ર દિવસ 2024 પરેડના મુખ્ય અતિથિ છે. મેક્રોનના આગમનના થોડા કલાકો બાદ પીએમ મોદી પણ જયપુરમાં પહોંચ્યાં હતા અને બન્નેએ જંતર મંતર રોડ પર ખુલ્લી કારમાં બેસીને રોડ શો કર્યો હતો. મોદી-મેક્રોનને જોવા માટે જનમેદની ઉમટી હતી. બન્ને નેતાઓ લોકોનું અભિવાદન ઝીલતાં ઝીલતાં આગળ વધ્યાં હતા. આ પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ જયપુરમાં અલગ-અલગ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદી અને મેક્રોન જંતર-મંતરથી સાંગાનેરી ગેટ સુધી સંયુક્ત રોડ શો કર્યો હતો અને રોડ શો હવા મહેલ સુધી ચાલશે. મોદી અને મેક્રોન બંને આ મુલાકાત દરમિયાન હસ્તકલાની દુકાન અને ચાના સ્ટોલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બંને નેતાઓ ઐતિહાસિક આલ્બર્ટ હોલ મ્યુઝિયમ પણ ગયા હતા. દિવસનું સમાપન રામબાગ પેલેસમાં થયું હતું જ્યાં પીએમ મોદીએ મેક્રોન માટે ડિનર ગોઠવ્યું હતું. આ પછી મેક્રોન રાતે 8.50 વાગ્યે દિલ્હી જવા રવાના થયાં હતા.
દિલ્હીમાં મેક્રોન મુખ્ય અતિથિ તરીકે સત્તાવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેશે. આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રાન્સની આર્મીની એક ટુકડી ભાગ લઈ રહી છે. ફ્રેન્ચ એરફોર્સના બે રાફેલ ફાઇટર જેટ અને એક એરબસ એ 330 મલ્ટી રોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ આ સમારોહમાં ભાગ લેશે. મેક્રોન પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેનાર છઠ્ઠા ફ્રેન્ચ નેતા (પાંચમા રાષ્ટ્રપતિ) છે, તેમની પહેલાં 2016માં ફ્રાંસના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદ, 2008માં નિકોલસ સરકોઝી, 1998માં જેક્સ ચિરાક, 1980માં વેલેરી ગિસ્કાર્ડ ડી'એસ્ટાંગ અને 1976માં વડાપ્રધાન જેક્સ ચિરાક ભારતના પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિ બન્યા હતા.