વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને કરશે સંબોધિત.

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને કરશે સંબોધિત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરશે. તેઓ લાઈવ સંવાદના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે જોડાશે. લાભાર્થીઓની સાથે તમામ જનપ્રતિનિધિઓ પણ પીએમ મોદીનું સંબોધન સાંભળશે. આ પ્રસંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, પ્રદેશ મહાસચિવ (સંગઠન) ધર્મપાલ સિંહ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક લખનઉમાં જોડાશે.

કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાને દેશભરમાં લઈ જનારી વિકસિત ભારત સંકલ્પ યાત્રા બે મહિનામાં જ જનભાગીદારીનું પ્રતિક બની ગઈ હતી. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકો આ યાત્રામાં જોડાયા છે. લોકોની આ વિશાળ ભાગીદારી પ્રગતિશીલ ભારત તરફ સંયુક્ત માર્ગની રૂપરેખા આપવા માટે યાત્રાના ઉદેશ્યને રજૂ કરે છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ એક ઐતિહાસિક પહેલ છે જેનો હેતુ દેશભરમાં સરકારી યોજનાઓની 100 ટકા પરિપૂર્ણતા સુનિશ્ચિત કરવાનો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણા રાજ્યોમાં ઝુંબેશ શરૂ થયા બાદ લોકોની સહભાગિતાની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. 13 ડિસેમ્બર 2023ના ચોથા સપ્તાહના અંતે આ યાત્રા 2.06 કરોડ લોકો સુધી પહોંચી હતી, જ્યારે 22 ડિસેમ્બરે પાંચમા સપ્તાહના અંતે આ સંખ્યા વધીને 5 કરોડ થઈ ગઈ હતી. આગામી ચાર અઠવાડિયામાં 10 કરોડ લોકો યાત્રામાં જોડાયા અને તે 15 કરોડ સહભાગીઓનો આંકડો પાર કરી ગયો. 17 જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ડેશબોર્ડમાં 2.21 લાખ ગ્રામ પંચાયતો અને 9,541 શહેરી સ્થળોને આવરી લેતા 15.34 કરોડ સહભાગીઓ હતા.