વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુરુવારે યોજાનારી રેલી માટે આકાશથી લઈને જમીન સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. શ્રીનગર શહેરને ડ્રોન અને ક્વોડકોપ્ટરના ઓપરેશન માટે અસ્થાયી રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જેલમ નદીમાં માર્કોસ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. રેલી સ્થળ બક્ષી સ્ટેડિયમ બહુસ્તરીય સુરક્ષા ઘેરા હેઠળ છે. પીએમ મોદી રેલી દરમિયાન 6400 કરોડ રૂપિયાની 52 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ તેઓ પ્રથમ વખત કાશ્મીર પહોંચી રહ્યા છે. બક્ષી સ્ટેડિયમને તિરંગા અને ભાજપના ઝંડાથી શણગારવામાં આવ્યું છે. શ્રીનગરના તમામ માર્ગો પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. રેલી દરમિયાન લોકોની અવરજવર રોકવા માટે ઘણી જગ્યાએ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. દેખરેખ માટે ડ્રોન, ક્વોડકોપ્ટર, યુએવી, હેલિકોપ્ટર અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્થળની આસપાસ બે કિલોમીટરની ત્રિજ્યામાં સુરક્ષા દળો દ્વારા પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે.