જયપુરના વિશ્વકર્મામાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. અહીં એક મકાનમાં ગેસનો બાટલો ફાટતાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકો દાઝી ગયા હતા. વિશ્વકર્માના જેસલ્યા ગામમાં લાગેલી આગમાં ત્રણ માસુમ બાળકો સહિત આખો પરિવાર મૃત્યુ પામ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ તમામ મૃતકો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે એફએસએલની ટીમને ઘટનાસ્થળે બોલાવી છે.
રાજસ્થાનના જયપુરના જેસલ્યા ગામમાં મધુબની બિહારનો એક પરિવાર ભાડે રહેતો હતો. વિગતો મુજબ રાત્રે ઘરમાં જ્યારે આગ લાગી ત્યારે પરિવારના તમામ સભ્યો સૂતા હતા. પરિવારના સભ્યોને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. આગથી બચવા બધા એક ખૂણામાં ગયા પણ બધા જીવતા ભૂંજાઇ ગયા હતા. આ તરફ પાડોશીઓ દ્વારા જાણ થતાં ફાયર વિભાગની ટીમે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં પરિવારજનો મૃત્યુ પામ્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ સળગેલી લાશને બહાર કાઢી હતી. આ તમામને પોસ્ટમોર્ટમ માટે SMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.આગનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.