કર્ણાટકમાં ચૂંટાયેલી સરકાર શનિવારે શપથ લેવા જઈ રહી છે. કોંગ્રેસના સિદ્ધારમૈયા રાજ્યના 30મા મુખ્યપ્રધાન તરીકે તેમનો બીજો કાર્યકાળ શરૂ કરવાના છે. મહત્વનું છે કે, કર્ણાટકમાં 13 મેના રોજ પરિણામ આવતા કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 66 અને જેડીએસને 19 બેઠકો મળી હતી. બહુમતીનો આંકડો હાંસલ કર્યા પછી કોંગ્રેસે સીએમ પસંદ કરવા માટે લાંબું વિચારમંથન કર્યું હતું. જેમાં ખૂબ વિચાર કર્યા પછી, સિદ્ધારમૈયાને સીએમની ખુરશી સોંપવામાં આવી અને ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમની સીટ પર બેસાડવામાં આવ્યા. જોકે પહેલા એવી ચર્ચા હતી કે.કોંગ્રેસ રાજ્યમાં ત્રણ ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અપનાવી શકે છે, પરંતુ હવે ડીકે શિવકુમાર જ ડેપ્યુટી સીએમ હશે.
સિદ્ધારમૈયા આ પહેલા તેઓ 2013 થી 2018 સુધી પ્રથમ CM કાર્યકાળ જોઈ ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સિદ્ધારમૈયા ડીકેની સાથે 25-26 ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. તેમાં ડીકે અને સિદ્ધારમૈયા બંનેના વફાદાર ધારાસભ્યોનો સમાવેશ થશે. કોંગ્રેસના CM પદની જાહેરાત બાદ બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્ણાટકના કોંગ્રેસ પ્રભારીએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આના પર સહમત થતા તમામ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા. આ પછી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.