કાશ્મીરના કિશ્તવાડમાં ઉત્તરાખંડના ધરાલી જેવી કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. કિશ્તવાડ જિલ્લાના પડ્ડર વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. ચશોતી ગામમાં મચેલ માતા મંદિર નજીક આ ઘટના બની, જેના કારણે આ વિસ્તારમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ.
આ દુર્ઘટના બાદ મચેલ માતા યાત્રામાં સામેલ યાત્રિકો સહિત સ્થાનિકોને માટો પાયે નુકસાન પહોંચ્યું છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે તાત્કાલિક રાહત અને બચાવ કાર્યની શરૂઆત કરાવી, જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીમો નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે.
14 ઓગસ્ટે કિશ્તવાડના ચશોતી વિસ્તારમાં વાદળ ફટવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ, આ દુર્ઘટના મચેલ માતા મંદિર નજીક બની હતી, જેથી ત્યાના આજુબાજુના વિસ્તારો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં પ્રાથમિક અહેવાલો પ્રમાણે પંદર લોકોના મૃત્યુની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે હજુ સત્તાવાર આંકડાઓની પુષ્ટિ થઈ નથી.
ઘટનાસ્થળે જતા રસ્તાઓ ધોવાઈ જવાના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. રેડ ક્રોસ અને સ્થાનિક વહીવટની ટીમો રાહત સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી છે, જ્યારે NDRF અને SDRFની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સ્થાનિક ધારાસભ્ય સુનીલ કુમાર શર્મા અને ડેપ્યુટી કમિશનર પંકજ શર્મા સાથે વાતચીત કરીને બચાવ કાર્યની દેખરેખ રાખી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વહીવટે તાત્કાલિક પગલા લીધાં છે અને નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરે SSP અને અન્ય વિભાગો સાથે સંકલન કરીને બચાવ ટીમ મોકલી. રાજૌરી અને મેંઢરમાં પણ વાદળ ફટવાના અહેવાલો મળ્યા છે, જેના પર વહીવટની નજર છે.
મચેલ માતા યાત્રા, જે દેવી દુર્ગાના રૂપ માતા ચંડીને સમર્પિત છે, ભદ્રવાહના ચિનોટથી શરૂ થઈ મચેલ મંદિર સુધી જાય છે. આ વાર્ષિક તીર્થયાત્રા દરમિયાન ચશોતી વિસ્તારમાં ભીડ રહે છે, જેના કારણે આ ઘટનાથી નુકસાનની આશંકા વધી છે. સ્થાનિક ધારાસભ્ય સુનીલ કુમાર શર્માએ જણાવ્યું કે યાત્રાને કારણે વિસ્તારમાં ભીડ હતી, અને તેઓ ઉપરાજ્યપાલ સાથે વાત કરી પરિસ્થિતિ માહિતી આપી હતી.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું, “ચશોતીમાં બાદલ ફટવાની ઘટનાથી દુઃખી છું. પરિવારો પ્રતિ સંવેદના અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના.” તેમણે સિવિલ, પોલીસ, સેના, NDRF અને SDRFને બચાવ કાર્યને વેગ આપવા અને પ્રભાવિતોને સહાય પૂરી પાડવાના નિર્દેશ આપ્યા. હાલ નુકસાનની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે, અને ઘટનાની સત્તાવાર હતાહતોની સંખ્યા ટૂંક સમયમાં જાહેર થશે.
અહીં એ જણાવવાનું કે ઉત્તર ભારતના પહાડી રાજ્ય ઉત્તરાખંડના ઉત્તરાકાશીના ધરાલી પાંચમી ઓગસ્ટમાં વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ હતી, ત્યારબાદ ભૂસ્ખલનને કારણે ગંગોત્રી નજીક ધરાલી ગામમાં મોટી તબાહી સર્જાઈ હતી, જ્યારે અનેક લોકોની જાનહાનિ થઈ હતી.
Kashmir | Cloud Burst News | monsoon season | Heavy Rain