ભારતીયો દેશમાં પાટા પર બુલેટ ટ્રેન ક્યારે દોડશે તેની રાહ જોઇ રહ્યો છે. સૌથી પહેલા રૂટને લઇ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપતા કહ્યુ કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન 2026માં પાટા પર દોડશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2026માં તૈયાર થશે અને સુરતના એક સેક્સન પર દોડશે. તેમણે કહ્યું કે સ્ટેશનોના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને દરિયાઈ ટનલ પર કામ શરૂ થઈ ગયું છે. આ ટનલ દ્વારા ટ્રેન થાણેથી મુંબઈ પહોંચશે. રેલવે મંત્રીએ મુંબઈ-અમદાવાદ 'બુલેટ ટ્રેન' કોરિડોરનો વીડિયો શેર કર્યો છે.
અમદાવાદ-મુંબઈ કોરિડોર શરૂ થવાથી બંને શહેરો વચ્ચેના 508 કિલોમીટરના અંતર માટે મુસાફરીનો સમય ઘટીને માત્ર 2 કલાક થઈ જશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલા વીડિયોમાં 1.08 લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે બનાવવામાં આવી રહેલા અત્યાધુનિક ટ્રેન પ્રોજેક્ટની કેટલીક વિશેષતાઓની ચર્ચા કરવામાં આવી છે. આ રૂટ પર બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે. કોરિડોરમાં સ્લેબ ટ્રેક સિસ્ટમ હશે, એક એવી ટેક્નોલોજી કે જેનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવશે.