ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવવાને કારણે એક રથમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. ભગવાન જગન્નાથની 'ઉલ્ટા રથયાત્રા' ઉત્સવ દરમિયાન કુમારઘાટ વિસ્તારમાં સાંજે લગભગ 4.30 વાગ્યે આ ઘટના બની હતી.
ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર 'રથ' ખેંચી રહ્યા હતા. આ રથ લોખંડનો બનેલો હતો. પોલીસે જણાવ્યું કે શોભાયાત્રા દરમિયાન 'રથ' અકસ્માતે 133kv ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો અને આગ લાગી હતી.
આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર જનરલ જ્યોતિષમાન દાસ ચૌધરીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.