છેલ્લા કેટલાય દિવસોથી વિજળને લઈને ખેડુતો વિરોધ કરી રહ્યાં છે.ત્યારે આજે ગાંધીનગરમાં કિસાન સંઘની ઉર્જા મંત્રી સાથે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કિસાન સંઘે આંદોલન સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.ઉર્જા મંત્રી વાવેતર વિસ્તારમાં 8 કલાક વીજળીની આપવાની બાંહેધરી આપી છે.આજે બનાસકાંઠા, કચ્છ સહિતના જિલ્લામાં 8 કલાક વીજળી અપાઈ છે.સમગ્ર ગુજરાતમાં 8 કલાક વીજળી આપવાની ઉર્જા મંત્રી બાંહેધરી પણ આપી છે.
ખેડૂતોને પૂરતી વીજળીની માગ મામલે આજે સાંજે બેઠક યોજાઇ હતી. જેમાં ઉર્જા મંત્રી વીજળી મામલે ચર્ચા કરવા માટે 5 જેટલા ખેડૂત પ્રતિનિધિ ને આમંત્રણ આપ્યું હતું. જેને પગલે ભારતીય કિસાન સંઘના આગેવાનો ઉર્જા મંત્રી સામે બેસી ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો ના મનની વાત મૂકી હતી. આ બેઠકમાં કિસાન સંઘ ના આગેવાન નેતાઓ જેવા કે વિઠ્ઠલ પટેલ, સામજી ન્યાત્રા, જગમલ આર્ય, બી.કે પટેલ, આર.કે.પટેલ જેવા ખેડૂત અગ્રણીઓ ઉર્જામંત્રી કનુ દેસાઈ ને મળ્યા હતા.ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેતી માટે મળતી વીજળીમાં કાપ મુકાયો છે. જેના કારણે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. તેવામાં ખેડૂતોને પુરતી વીજળી મળે તેવી તીવ્ર માગ ઉઠી હતી અને મોટા પાયે જિલ્લે ખેડૂતો વીજ કાપ ને લઈ સરકાર સામે બાયો ચડાવી હતી અને રસ્તા પર ઉતરી ગયા હતા.
કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં આ મુદ્દો જોરશોર ઉછાળવામાં આવ્યો હતો ત્યારે અપુરતી વીજળીને લઇને પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર સરકારે આપી દીધા છે. હવે ઉદ્યોગમાં વીજકાપ કરી તે વીજળી ખેડૂતોને આપવામાં આવશે. અપુરતી વીજળીને કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડી રહી હતી જે બાદ 8 કલાકની પૂરતી વીજળી માટે અનેક સ્થળે ધરણાં અને વિરોધ કરવામાં આવ્યો હતો. આ અગાઉ સરકારે પણ 6 કલાક નિયમિત મળશે તેવી જાહેરાત પણ કરી હતી પણ ખેડૂતો 8 કલાકની પોતાની માંગ પર અડગ હતા. આખરે ગૃહમાં ઉર્જા મંત્રી કનુ દેસાઇ એ મહત્વની જાહેરાત કરતાં કહ્યું છે કે 500 મેગાવોટ ઉદ્યોગમાં વીજકાપ કરવામાં આવશે, વીજકાપ માટે નોટિસ આપી દેવામાં આવી છે. 10 દિવસ માટે રાજ્યમાં વીજળીની અછત હતી તેવો ઉલ્લેખ કરતાં વધુમાં કહ્યું કે આજે તમામ 8 ઝોનમાં વીજળી આપવામાં આવી છે. ઉદ્યોગોમાં જે વીજકાપ કર્યો છે તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે.
