દિલ્હીમાં સીજેપીના દેખાવોને પગલે હાઈએલર્ટ જેવી સ્થિતિ છે. સંપૂર્ણ દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગયું છે. મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષાદળોની તહેનાતી કરવામાં આવી છે. ત્યારે દેખાવો કરવા માટે જંતર મંતર તરફ આગળ વધી રહેલા લોકોની અટકાયતનો દોર પણ શરૂ થયો હતો.

દિલ્હીમાં જંતરમંતર પર પ્રદર્શન માટે જઈ રહેલા અરવિંદ કેજરીવાલને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા છે. તેમની સાથે આપ નેતા સૌરભ ભારદ્વાજ અને સંજય સિંહની પણ અટક કરવામાં આવી છે. આ પહેલાં મમતા બેનરજી અને ટીએમસીના અનેક સાંસદોને પણ પોલીસે જાપ્તામાં લીધા હતા.

પ.બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી પણ દેખાવોમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા હતા,જ્યાં તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. મમતા બેનરજીની સાથે ડોલા સેન અને પાંચ સાંસદોની અટકાયત કરી લેવામાં આવી છે.

દિલ્હીમાં અત્યાર સુધીમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતાં 400 થી વધુ દેખાવકારોની અટકાયત કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે કલમ 163 લાગુ હોવાથી દિલ્હીમાં જંતરમંતર સહિત અનેક વિસ્તારોમાં ભીડ એકઠી કરવાની મનાઈ છે. આ દરમિયાન દેખાવો કરવા માટે એકઠા થનારા લોકોને પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે.

સીજેપીના ટોચના નેતાઓની અટકાયત બાદ હવે ડાબેરી પક્ષો જંતર મંતર પહોંચી ગયા છે. અહીં એસએફઆઈ અને લેફ્ટના કાર્યકરો દેખાવો કરી રહ્યા છે. પોલીસે આ લોકોની પણ અટકાયત કરી લીધી હતી.

રાજધાની દિલ્હીમાં આજે ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. ભાજપ મુખ્યાલય નજીક ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન અને ડાબેરી પક્ષોના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું છે. બીજી તરફ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સંબંધિત મુદ્દાઓને લઈને કોકરોચ જનતા પાર્ટી દ્વારા પણ શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા પાયે પ્રદર્શનનું આહ્વાન કરાતા સુરક્ષા ચાંપતી કરી દેવાઈ છે.

અભિજિત દીપકે સહિત વિવિધ સીજેપી નેતાઓની અટકાયત બાદ એક પ્રિ-રેકોર્ડેડ વીડિયો સામે આવ્યો છે. જેમાં અભિજિત દીપકે કહે છે કે મારી અટકાયત બાદ સીજેપીના આંદોલનનું નેતૃત્વ અજિંક્યા શિંદે કરશે.