-
વર-કન્યા લગ્નમંડપ છોડી લોકશાહીના મંડપે
-
ગુજરાતમાં લગ્ન પહેલા વર-કન્યાઓએ કર્યું મતદાન
-
ભરૂચથી વલસાડ સુધી મતાધિકારનો ક્રેઝ
-
જાન આંગણે આવી પણ બહેનો મતદાન મથકે પહોંચી
-
વાવ-થરાદમાં મતદાનને સર્વોચ્ચ પ્રાધાન્ય
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે,રાજ્યમાં એક તરફ મતદાન છે,તો બીજી તરફ લગ્નની મોસમ જામી છે.ત્યારે લગ્ન પહેલા વર-કન્યાઓએ મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવી હતી.
રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. એક તરફ લગ્નસરાની ધૂમ છે અને બીજી તરફ લોકશાહીનો પર્વ. આજે ગુજરાતના ખૂણે ખૂણેથી એવી તસવીરો સામે આવી છે જે સાબિત કરે છે કે નાગરિકો માટે દેશની ફરજ સર્વોપરી છે. લગ્ન મંડપમાં જતા પહેલા અનેક વર-કન્યાઓએ મતદાન મથકે પહોંચી પોતાનો કિંમતી વોટ આપ્યો છે.
સૌ પ્રથમ વાત કરીએ ભરૂચ જિલ્લાની. ઝઘડિયાના રાયસીંગપુરા ખાતે કિંજલબેન વસાવા અને હરીપુરા ગામના જીતુભાઈ દેસાઈએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા મતદાનની ફરજ નિભાવી હતી.તો રાજપારડીમાં દિવ્યાનીબેન ગોસ્વામી લગ્ન મંડપમાં જતા પહેલા વોટિંગ કરવા પહોંચ્યા હતા.
જંબુસરના બોજાદરા ગામે ધર્મેન્દ્રસિંહ પરમાર નામના વરરાજા પીઠી ચોળેલી હાલતમાં જ મતદાન મથકે પહોંચ્યા હતા. અંકલેશ્વરમાં પણ વોર્ડ નંબર 7 માં સ્નેહબેન વસાવાએ લગ્ન પહેલા મતાધિકારનો ઉપયોગ કરી નગરજનો માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં પણ અનોખો નજારો જોવા મળ્યો હતો. શેરવાની અને સાફામાં સજ્જ વરરાજા જાન લઈને નીકળતા પહેલા સીધા મતદાન મથકે પહોંચ્યા હતા. લગ્નની આટલી વ્યસ્તતા વચ્ચે પણ મતદાનને પ્રાધાન્ય આપતા આ વરરાજાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.વલસાડના નાનાપોંઢાના જોગવેલ ગામમાં એક વરરાજાએ પીઠી ચોળેલી હાલતમાં મતદાન કર્યું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
સૌથી પ્રેરણાદાયી દ્રશ્યો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના નાનીઝરી ગામે જોવા મળ્યા હતા. અહીં શ્વેતા અને મિત્તલ નામની બે બહેનોના ઘરે જાન આવી ગઈ હતી, લગ્નનો મંડપ તૈયાર હતો, છતાં બંને બહેનોએ પહેલા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. મતદાન કર્યા બાદ જ મિત્તલ લગ્ન મંડપમાં ફેરા ફરવા બેઠી હતી.
