• લીમખેડામાં લક્ઝરી બસને નડ્યો અકસ્માત

  • ઉજ્જૈનથી પરત ગોધરા જતી બસનો અકસ્માત

  • બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો

  • બસ રોડ નીચે ઉતરી જતા પલટી મારી ગઈ

  • બસમાં સવાર 20 મુસાફરો ઈજાગ્રસ્ત   

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રતાપપુરા કોલીયારી પાસે એક ખાનગી લક્ઝરી બસ રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ દુર્ઘટનામાં બસમાં સવાર 20થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ખાનગી લક્ઝરી બસ મુસાફરોને લઈને પંચમહાલના ગોધરા તરફ જઈ રહી હતી. વહેલી સવારનો સમય હોવાથી મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. આ દરમિયાન પ્રતાપપુરા પાસે ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડ નીચે ઉતરીને સીધી બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી. બસ પલટી ખાતા જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અકસ્માતની જાણ થતા જ આજુબાજુના રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક અંદાજ મુજબ 20થી વધુ મુસાફરોને ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક લીમખેડાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, આટલા મોટા અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે. લીમખેડા પોલીસનો કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી બસને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.