અંકલેશ્વરમાં આગનો બનાવ
સિનેમા હાઉસમાં લાગી આગ
રાજહંસ સિનેમામાં આગ ફાટી નિકળતા દોડધામ
2 લોકો ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ
અંકલેશ્વરના કોસમડી નજીક આવેલા એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વરના કોસમડી નજીક આવેલા એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી હતી. ચાલુ ફિલ્મ દરમિયાન સ્ક્રીન નંબર-3માં અચાનક આગ ભભૂકી ઉઠતા સિનેમા હોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની ઘટનામાં બે લોકો અંદર ફસાઈ ગયા હતા, જેમને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્રણ ફાયર ટેન્ડરની મદદથી આશરે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.જોકે, આગ એટલી વિકરાળ હતી કે સ્ક્રીન નંબર-3નો સમગ્ર હિસ્સો બળીને ખાક થઈ ગયો હતો.
આગની ગંભીરતાને જોતા ડી.વાય.એસ.પી. ડૉ. કુશલ ઓઝા સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી.આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સિનેમા સંકુલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
