સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) ના સીઈઓ માર્ક ઝકરબર્ગે તેમના પ્લેટફોર્મ પર ચાલી રહેલા ડીપફેક અને બાળ જાતીય શોષણ (CSAM) સંબંધિત વિવાદિત કન્ટેન્ટ મુદ્દે ભારત સરકારની માફી માંગી છે. સંસદીય પેનલની કડક ચેતવણી અને અલ્ટીમેટમ પછી, મેટાએ સ્વીકાર્યું છે કે તેમના પ્લેટફોર્મ પર હાનિકારક સામગ્રીને રોકવામાં મોટી ચૂક થઈ છે. આ સાથે જ કંપનીએ સરકાર સમક્ષ પોતાની કામગીરી અને સંચાલનમાં રહેલી ખામીઓ માટે ખુલ્લા મને ખેદ વ્યક્ત કર્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 5 ઓગસ્ટના રોજ મેટાના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર જોએલ કપલાન અને અન્ય વૈશ્વિક અધિકારીઓએ ભારતના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત MeitY (ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય) ના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ બેઠક કરી હતી. આ ચર્ચા દરમિયાન, સરકારી અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મેટા હવે માત્ર એક ‘નિષ્ક્રિય મધ્યસ્થી’ (Passive Intermediary) નથી રહ્યું, કારણ કે કંપની પોતે જ સક્રિયપણે એ નક્કી કરે છે કે કયું કન્ટેન્ટ યુઝર્સ સુધી પહોંચાડવું અને કોને ભલામણ (Recommend) કરવી. સરકારે ચેતવણી આપી હતી કે કંપનીની આવી નીતિઓ ‘ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000’ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને મળતી સેફ હાર્બર (Safe Harbor) સુરક્ષા પર મોટા પ્રશ્નો ઊભા કરે છે.
આ બેઠકમાં મેટાએ એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે તેમણે પ્લેટફોર્મ પર અમુક ચોક્કસ પ્રકારના કન્ટેન્ટને વધુ લોકો સુધી પહોંચાડવા માટે ચૂકવણી (પૈસા) સ્વીકારી હતી. કંપનીના પ્રતિનિધિઓએ આ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી હતી અને તેને પ્લેટફોર્મ સંચાલનની ‘મોટી ભૂલ’ ગણાવી હતી. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયો કંપની દ્વારા અસ્થાયી રૂપે હટાવી દેવામાં આવ્યો હતો, જેના વિશે પણ સરકાર દ્વારા મેટા સામે આકરા સવાલો કરવામાં આવ્યા હતા.
