ભારતીય મજદૂર સંઘ દ્વારા સમગ્ર દેશમાં કર્મચારીઓ અને શ્રમિકોના પગાર વધારા સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ ભારતીય મજદૂર સંઘ દ્વારા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભારતીય મજદૂર સંઘના આગેવાનો અને કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ ગાંધી ચોક વિસ્તારમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું. ત્યારબાદ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવી સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર આંદોલનની આગેવાની ભારતીય મજદૂર સંઘના પ્રમુખ મુકેશ વાઘેલા તેમજ નર્મદા જિલ્લા ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી.
ધરણા પ્રદર્શનમાં આંગણવાડીની બહેનો સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ અને શ્રમિકો જોડાયા હતા. કર્મચારીઓ દ્વારા પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આંદોલન દરમિયાન ભારતીય મજદૂર સંઘના આગેવાનો અને કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈ સૂત્રોચ્ચાર કરી સરકારનું ધ્યાન દોર્યું હતું. તેમજ માંગણીઓનો યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
