રાજયભરમાં કોરોનાના દર્દીના સ્વજનો ઓકિસજન સિલિન્ડર માટે રઝળપાટ કરતાં જોવા મળી રહયાં છે ત્યારે નર્મદા જીલ્લા કલેકટરે કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલની મુલાકાત લઇ ઓકિસજન તેમજ દર્દીઓને અપાતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.
નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે રાજપીપલા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમની સાથે સિવીલ સર્જન ડૉ.જ્યોતિ ગુપ્તા, ફીઝીશીયન ડૉ.જે.એલ.મેણાત સહીતના અધિકારીઓ પણ જોડાયાં હતાં. કલેકટરે સારવાર લઇ રહેલાં દર્દીઓના ખબર અંતર પુછયાં હતાં. કલેકટરે જણાવ્યું હતું કે, રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આપણી પાસે ૧૦૦ બેડ હતાં. જેમાં ૯૨ જનરલ અને ૮-ICU વેન્ટીલેટર ફેસીલીટીવાળા બેડનો સમાવેશ થતો હતો. કોરોનાની બીજી લહેરને જોતા હાલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક અસરથી ઓક્સિજનની નવી ૩ અલગ અલગ લાઇનો ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓકિસજનના સંગ્રહ માટે બે નવી ટેન્ક ખરીદવામાં આવી છે.