ભરૂચ સબજેલ ખાતે યોજાયો કાર્યક્રમ
દિવાળીના પર્વ નિમિત્તે આયોજન
3 કેદીઓના પેરોલ મંજુર કરાયા
કેદીઓને મુક્ત કરાતા લાગણી સભર દ્રશ્યો
જેલ સ્ટાફ રહ્યો ઉપસ્થિત
ભરૂચ સબ જેલમાં સજા ભોગવતા પાકા કામના ત્રણ કેદીઓને પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે 15 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

દિવાળીના પર્વને લઈ ભરૂચ જિલ્લા જેલમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તહેવારના અવસરે પરિવારજનોથી દૂર જેલમાં સજા ભોગવી રહેલા ત્રણ પાકા કામના કેદીઓને પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકે તે હેતુથી 15 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ અનુસાર ત્રણેય કેદીઓને ધનતેરસના દિવસે એટલે કે 6 નવેમ્બરના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા કેદીઓના કલ્યાણ અને સામાજિક પુનઃસ્થાપનના હેતુથી મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરુષ કેદીઓને નિયમોનુસાર શરતોને આધીન 15 દિવસની પેરોલ રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા જેલના ત્રણ કેદીઓને આ લાભ મળ્યો છે.

આ પ્રસંગે જેલના ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડે ત્રણેય કેદીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ પેરોલ દરમિયાન નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. પરિવાર સાથે તહેવાર મનાવવાની તક મળતાં ત્રણેય કેદીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તેમણે રાજ્ય સરકાર અને જેલ વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
