જેલની ચાર દીવાલો અને ગુનાના અંધકાર વચ્ચે હવે માસૂમ બાળકોના ભવિષ્યમાં શિક્ષણ અને સંસ્કારનો નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. ભરૂચ જિલ્લા જેલ વહીવટી તંત્ર દ્વારા જેલના ઇતિહાસમાં એક અનોખી અને અત્યંત સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે.

જેલમાં સજા કાપી રહેલી મહિલા કેદીઓના માસૂમ બાળકોને જેલના નકારાત્મક માહોલથી દૂર રાખી શકાય અને તેમનું બાળપણ સુરક્ષિત બને તે માટે ભરૂચ જિલ્લા જેલ ખાતે એક ભવ્ય ‘ડે કેર સેન્ટર’ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

અમદાવાદની ખ્યાતનામ ચેતના સંસ્થા ICDS વિભાગ અને ભરૂચ જિલ્લા જેલના સંયુક્ત સહયોગથી આ ડે કેર સેન્ટર સાકાર થયું છે. જેનું વિધિવત ઉદ્ઘાટન મુખ્ય અતિથિ એવા આસિસ્ટન્ટ કલેકટર અવધિજા ગુપ્તા (IAS) ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.પુષ્પાબેન જોશી, કાશ્મીરાબેન સાવંત અને જિલ્લા જેલના અધિક્ષક એન.પી. રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ડે કેર સેન્ટરનો મુખ્ય હેતુ જેલમાં રહેલા બાળકોને સંપૂર્ણ બાળમૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો છે. અહીં બાળકોને રમત-ગમત સાથે પ્રારંભિક અક્ષરજ્ઞાન, ઉત્તમ સંભાળ અને પૌષ્ટિક આહાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેલના સળિયા પાછળ પણ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે દિશામાં આ પગલાંને તમામ મહાનુભાવોએ ખૂબ જ પ્રેરણાદાયી અને આવકારદાયક ગણાવ્યું હતું.