/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/30160745/maxresdefault-154.jpg)
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગાજીપુર ગામ નજીકથી પસાર થતી પાનમ નદીના ઊંડા જળમાં નાવડી ગરકાવ થઈ જવા પામી હતી, ત્યારે નાવડીમાં સવાર બોરીઆવી ગામે રહેતા પતિ-પત્ની અને બાળકી સહિત નાવિકનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.
શહેરા તાલુકા અને મોરવા હડફ તાલુકાના અમુક ગામો નદી કિનારે આવેલા હોવાથી અહીના સ્થાનિકો સારા-નરસા પ્રસંગે એક ગામમાંથી બીજા ગામમાં આવવા જવા માટે નાવડી વ્યવહાર કરે છે, ત્યારે શહેરા તાલુકાના બોરીઆવી ગામે આવેલા ડાભી ફળિયામાં રહેતા સુરેશ ડાભી તેમજ તેમની પત્ની અને પુત્રી ગાજીપુર ગામે પોતાના સગાવહાલાને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી હાજરી આપવા ગયા હતા. જોકે, ગત શનિવારના રોજ તેઓ ગાજીપુર ગામ નજીકથી પસાર થતી પાનમ નદીમાં નાવડી મારફતે પરત બોરીઆવી આવતા હતા, ત્યારે નાવડીનું સંતુલન બગડતા નાવડી અચાનક પાણીમાં પલટી મારી ગઈ હતી. આથી નાવડીમાં બેઠેલા પતિ-પત્ની અને પુત્રી સાથે નાવડીનો ચાલક નદીના ઊંડા જળમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, મૃતક પતિ-પત્ની અને પુત્રી સમયે ન આવતા તેઓના સગા સબંધીઓએ ગાજીપુર ગામે ફોન કરતા ત્યાંથી ક્યારના નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે કોઈક વ્યક્તિ દ્વારા જાણવા મળેલું કે, એક નાવડી નદીમાં પલટી મારી ગઈ છે. બનાવની જાણ ગ્રામજનોને થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહોને પાણીમાં શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી. લાંબી મસક્કત બાદ બોરીઆવી ગામના પતિ-પત્ની અને પુત્રીના મૃતદેહો મળી આવ્યા હતા. એક બાદ એક ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવતા તેઓના પરિવારજનોમાં ગમગીની ફેલાઈ હતી, ત્યારે તેઓના હૈયાફાટ રૂદનથી સમગ્ર પંથકમાં શોકની કાલીમાં ફરી વળી હતી. જોકે, નાવડી ચાલકના મૃતદેહનો પતો ન લાગતાં તેની પણ સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ શહેરા મામલતદાર સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.