પંચમહાલ : સીમલીયા પાલ્લી ગામે પીવાના પાણીની સુવિધાના કામો તો કરાયા, પરંતુ ગ્રામજનોની તરસ ન છિપાય

New Update
પંચમહાલ : સીમલીયા પાલ્લી ગામે પીવાના પાણીની સુવિધાના કામો તો કરાયા, પરંતુ ગ્રામજનોની તરસ ન છિપાય

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા પાલ્લી ગામના વૃંદાવન ફળિયામાં આદિવાસી પરિવારો માટે બનાવવામાં આવેલ પીવાના પાણીની સુવિધાઓના કામો છેલ્લા વર્ષોથી તરસ્યા છે, ત્યારે ગ્રામજનોને વહેલી તકે પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ઘોઘંબા તાલુકાના સીમલીયા પાલ્લી ગામના વૃંદાવન ફળિયામાં રહેતા આદિવાસી સમાજના રહીશો માટે 5 વર્ષ પહેલાં પીવાના પાણી માટેની સુવિધાઓ અને પશુધન માટે બનાવવામાં આવેલ પાણીના હવાડાની સુંદર યોજનાના કામો વહીવટી તંત્રએ પૂર્ણ કર્યા હોવાની કામગીરીઓના વિરોધાભાસમાં એક પણ ટીપું પાણી, પાણીની ટાંકીમાં અને હવાડામાં આજ દિન સુધી આવ્યું જ ન હોવાની ગ્રામજનો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.

ઘોઘંબા તાલુકામાં મુખ્યત્વે આદિવાસી સમાજના પ્રજાજનોની સાર્વત્રિક સુવિધાઓના નામે વહીવટી તંત્રના આ ફુલગુલાબી જેવા વિકાસ કાર્યોની સુવિધાઓમાં ભારોભાર વિરોધાભાસ દેખાતો હોવાના પ્રજાજનોની આ ફરીયાદો વચ્ચે સીમલીયા પાલ્લી ગામના વૃંદાવન ફળિયામાં રહેતા આદિવાસી પરિવારો માટે પીવાના પાણીની સુવિધાઓ માટે અંદાઝે 5 વર્ષો પૂર્વે બોર બનાવીને પીવાના પાણીના સંગ્રહ માટે એક ટાંકી પણ મુકવામાં આવી હતી. બસ દેખાવ ખાતર હાથ ધરવામાં આવેલ આ પાણીની સુવિધા આજદિન સુધી ચાલુ થઈ જ નથી અને વીજ જોડાણ પણ આપવામાં આવ્યું નથી. આજ પ્રમાણે મૂંગા પશુધનોની તરસ છીપાવવા માટે બનાવવામાં આવેલ પાણીનો હવાડો પણ 5 વર્ષથી તરસ્યો જ હોવાની સ્થાનિક રજૂઆતોના પગલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા સ્થળ મુલાકાત કરવમાં આવી હતી. આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી સમેત જિલ્લા સત્તાધીશોને ઈ-મેઈલના માધ્યમથી રજુઆત કરીને વહેલી તકે આ બિન ઉપયોગી યોજના સત્વરે ચાલુ કરવામાં આવે અને આદિવાસી પ્રજાજનોની પાણીની સમસ્યાઓનો અંત આવે આ માટે ભારપૂર્વક રજુઆત કરી છે.

Latest Stories