શહેરા તાલુકામાં ગેરકાયદે રીતે હેરાફેરી કરનારા પથ્થર ભરેલા ત્રણ ટ્રક અને એક લાકડા ભેરલા ટ્રેકટરને વન વિભાગે ઝડપી પાડીને પાસ પરમીટ અંગે તપાસ કરતા મળી ન આવી હોવાથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરા તાલુકામાં સફેદ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનન માફિયાઓ દ્વારા બેરોકટોક પણે અને લાકડાની ગેરકાયદે રીતે હેરાફેરી કરનારાઓ પણ બેફામ બન્યા છે. ત્યારે જિલ્લા ખાન ખનીજ તંત્ર અને વહીવટી તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું હતું. ત્યારે શહેરા વન વિભાગની ટીમ ઘોર નિંદ્રા માંથી અચાનક જાગ્યું હોય તે રીતે આવા ગેરકાયદે હેરાફેરી કરનારાઓની સામે લાલ આંખ કરતા ફફડાટ મચી જવા પામ્યો છે. શહેરા વનવિભાગના આર.એફ.ઓ. રોહીત પટેલ અને તેમની ટીમે શહેરા ગોધરા હાઈવે માર્ગ પર સફેદ પથ્થર ભરેલા ત્રણ ટ્રકને જતા રોકી પાસ પરમીટ માંગતા કોઈ પરવાનો ન મળતા ટ્રકોને વન વિભાગની ઓફીસે લાવવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ શહેરાના નવી વાડી ગામેથી વન વિભાગે એક લાકડા ભરેલુ ટ્રેક્ટર કે જે પાસ પરમીટ વિનાનું પકડી પાડ્યુ હતુ અને તેની સામે પણ કાયદેસર કાર્યવાહી કરતા વન વિભાગે અંદાજીત લાકડા અને પથ્થરો ભરેલા વાહનો સહિત રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. વનવિભાગની કાર્યવાહીથી સફેદ પથ્થરોની અને લાકડાઓની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ સફેદ પથ્થરોની ગેરકાયદે હેરાફેરી કરતી ટ્રકોને વન વિભાગે ઝડપી તો પાડી છે પરંતુ આ ટ્રકો પકડ્યા પછી આ ગાડીઓ વાળા જે જગ્યાએ આ બે નંબરી માલ આપતા હતા ત્યાં તપાસ કરશે કે કેમ તેવા પ્રશ્નો ઊભા થયા છે. જો આ અંગે કાયદેસર તપાસ કરે તો GST સહિત અન્ય સરકારી ચોરીઓ પણ હાથ લાગે તેવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી આવી હતી.