નવા નદીસરની પ્રાથમિક શાળાનો અનોખો મેથ્સ પાર્ક
રમત-રમતમાં ગણતરીઓ શીખીને બાળકો ગણિતનો ડર ભૂલ્યા
બાળકો રમત-રમતમાં જ ગણિતના સિદ્ધાંતો શીખી રહ્યા
શાળાના શિક્ષક અને આચાર્યનો શિક્ષણક્ષેત્રે અનોખો પ્રયાસ
સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણનો નવો રાહ ચીંધ્યો
પંચમહાલની ‘નવા નદીસર પ્રાથમિક શાળા’એ અભ્યાસની પરંપરાગત શૈલી બદલીને એક અનોખો ‘મેથ્સ પાર્ક’ તૈયાર કર્યો છે. ખુલ્લા વાતાવરણમાં રમત-રમતમાં આકારો, માપન અને ગણતરીઓ શીખીને બાળકો હવે ગણિતનો ડર ભૂલી રહ્યા છે.
ગણિત સામાન્ય રીતે અઘરો વિષય માનવામાં આવે છે, પરંતુ પંચમહાલની ‘નવા નદીસર પ્રાથમિક શાળા’એ આ ધારણા બદલી નાખી છે. શાળા પરિસરમાં નિર્માણ પામેલા ‘મેથ્સ પાર્ક’ના કારણે બાળકો હવે રમત-રમતમાં જ ગણિતના સિદ્ધાંતો સરળતાથી શીખી રહ્યા છે.
શાળાના શિક્ષક શાંતિલાલ અને આચાર્ય રાકેશ પટેલના માર્ગદર્શન હેઠળ સ્થાનિક કારીગરોએ ‘એબેકસ’, ‘નંબર લાઇન’ અને ભૂમિતિના વિવિધ મોડેલ્સ તૈયાર કર્યા છે. વર્ગખંડ અને પુસ્તકોથી બહાર નીકળીને બાળકો પ્રવૃત્તિઓ દ્વારા ગણિતનો પ્રત્યક્ષ અનુભવ મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓ જણાવે છે કે, મેથ્સ પાર્ક અને શિક્ષકોની સરળ સમજાવટના કારણે વર્ગખંડમાં જ તમામ વિષયવસ્તુ સ્પષ્ટ થઈ જાય છે, જેથી તેમને ટ્યુશનની કોઈ જરૂર પડતી નથી.
આ પ્રાયોગિક અભિગમના પરિણામે શાળાને ‘પીએમ શ્રી મોડેલ સ્કૂલ’નું ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું છે. અનુભવ-આધારિત આ શિક્ષણ પદ્ધતિ સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણનો નવો રાહ ચીંધવાની સાથે ‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ના સંકલ્પને મજબૂત કરી રહી છે.
