પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગત બપોર બાદ તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેના કારણે કસ્બા વિસ્તાર તેમજ નગરપાલિકાના કોમ્પલેક્ષના ચોગાનનું વૃક્ષ અને ઈલેક્ટ્રીક વિજ થાંભલો પડી જતાં નગરનો વિજ પુરવઠો ખોરવાયો હતો. જોકે, વાવાઝોડાના કારણે ખેડૂતોના બાજરીના પાકોને પણ વ્યાપક નુકશાન થવાની સંભાવના છે. વાવાઝોડાના કારણે ખેડૂતોમાં પણ એક ચિંતાનો વિષય બની ગયો છે.
અરબ સમુદ્રમાં ઉદભવેલા તાઉ-તે વાવાઝોડાના પગલે પંચમહાલ જિલ્લામાં કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા સલામતીના આગોતરા પગલા હાથ ધરવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ જિલ્લામાં આ વાવાઝોડા પગલે કોઈ ગંભીર અસરની આગાહી ન હતી. પરંતુ કોઈપણ સંભવિત વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ સેવાઓ ખોરવાઇ નહીં તે સુનિશ્ચિત કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.