તેલ-તેલીબિયાં બજારમાં આજે સિંગતેલ તથા કપાસિયા તેલમાં તેજી આગળ વધી હતી, સામે પામતેલ સહિતના વિવિધ આયાતી ખાદ્યતેલો વધ્યામથાળે સાંકડી વધઘટે બજારમાં અથડાતા રહ્યા હોવાનું વિશ્વબજારના સમાચાર પ્રોત્સાહક હતા અને તેના પગલે આવતા સપ્તાહમાં પામતેલના ભાવ વધુ ઊંચા જવાની શક્યતા રહેલી છે.
દેશમાં વિવિધ તેલીબિયાંનું કુલ વાવેતર આ વર્ષે અત્યાર સુધીમાં વધી ૧૫૫ લાખ હેક્ટર જેટલું થયું છે, જે પાછલા વર્ષે આ ગાળામાં ૧૧૦ લાખ હેક્ટર નોંધાયું હોવાનું જાણકારોએ ઉમેર્યું હતું.
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૧,૩૨૦ રહ્યા હતા, જ્યારે ઉત્પાદક મથકોએ ભાવ રૂ.૧,૩૦૦ તથા કોટન વોશ્ડના રૂ.૮૦૫થી રૂ.૮૦૮ રહ્યાના સમાચાર હતા.
મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલના ભાવ વધી રૂ.૮૫૬થી રૂ.૮૫૮ રહ્યા હતા, જ્યારે આયાતી પામતેલના ભાવમાં રૂ.૮૧૦થી રૂ.૮૧૨ના મથાળે ઉછાળો પચાવાઈ રહ્યો હતો. નવા કામકાજો ધીમા હતા. ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) કંડલાના ભાવ રૂ.૭૧૦ રહ્યા હતા. મુંબઈ બજારમાં સોયાતેલના ભાવ ડીગમના રૂ.૮૦૫ તથા રિફાઈન્ડના રૂ.૮૩૫, સનફ્લાવરના રૂ.૮૯૫ તથા રિફાઈન્ડના રૂ.૯૩૦, મસ્ટર્ડના રૂ.૯૯૦ બોલાતા હતા.
બજારમાં આજે દિવેલ તથા એરંડાના ભાવ એકંદરે શાંત રહ્યા હતા, જ્યારે મુંબઈ ખોળ બજારમાં પણ વિવિધ ખોળના ભાવ આજે સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા.દરમિયાન, અમેરિકાના કૃષિબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનનો વાયદો વધુ ૪૪ પોઈન્ટ ઊછળ્યો હતો, જ્યારે ત્યાં સોયાતેલનો વાયદો ૬૫ પોઈન્ટનો નવો ઉછાળો રહ્યો હતો.