કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી એક અત્યંત હચમચાવનારી અને રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. કૌટુંબિક વિવાદની અદાવતમાં એક ક્રૂર કેબ ડ્રાઇવરે પત્ની સહિત તેના પરિવારના કુલ 7 સભ્યોને એક પછી એક મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ નરસંહારમાં આરોપીએ 7 વર્ષના માસૂમ બાળકને પણ છોડ્યો ન હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને આ ભયાનક હત્યાકાંડનો ભાંડો ફોડ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી ઇન્દુશેખર બેંગલુરુના રાજાજીનગર વિસ્તારમાં બશમ સર્કલ પાસે રહે છે અને વ્યવસાયે કેબ ડ્રાઇવર છે. તેના લગ્ન 20 વર્ષ પહેલા સુનીતા સાથે થયા હતા. લગ્નજીવનની શરૂઆતથી જ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ કલેશમાં સુનિતાના ઘરના સભ્યો પણ હસ્તક્ષેપ કરતા હતા, જે વાત ઇન્દુશેખરના મનમાં ખૂંચતી હતી. તેને લાગતું હતું કે તેના સાસરિયાઓ તેની પત્નીને તેના વિરુદ્ધ ભડકાવી રહ્યા છે. આ રોષમાં તેણે સમગ્ર પરિવારને ખતમ કરવાનું મોટું કાવતરું ઘડ્યું હતું.
આરોપીએ ખૂબ જ ચાલાકીથી અને ઠંડા કલેજે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. તેણે સૌથી પહેલાં પોતાની પત્ની સુનીતાની હત્યા કરી નાખી અને તેનો મૃતદેહ નંદી હિલ્સ લઈ જઈને ફેંકી દીધો હતો. ત્યારબાદ તેણે પોતાના બે સાળાઓ શિવકુમાર અને શંકરને ઘરમાં પાર્ટીના બહાને બોલાવ્યા અને મોકાનો લાભ લઈને બંનેને પતાવી દીધા હતા.
આટલું જ નહીં, ત્યારબાદ સાસુ રૂપવતી, બંને ભાભી દિવ્યા અને નલિનીને પણ જુદા જુદા બહાના બનાવીને ઘર પર બોલાવવામાં આવ્યા અને ઘરમાં જ રાખેલા ભારે સિલબટ્ટાથી ફટકારીને તમામની નિર્દયતાપૂર્વક તેમની હત્યા કરી નાખી હતી. આરોપીએ શિવકુમારના 7 વર્ષના માસૂમ પુત્ર પુનીતને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ પુરાવા મિટાવવા માટે તેણે ઘરની સાફ-સફાઈ કરી હતી અને કેમિકલનો ઉપયોગ કરીને લોહીના ડાઘ તથા હથિયાર સાફ કરી નાખ્યા હતા.
તમામ હત્યાઓ કર્યા બાદ કુશળ અપરાધીની જેમ આરોપીએ સાતોસાત લાશોને પોતાની જ કારમાં નાખી અને બેંગલુરુથી આશરે 60 કિલોમીટર દૂર ચિક્કબલ્લાપુર જિલ્લામાં આવેલા નંદી હિલ્સની આસપાસના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધી હતી. આ સમગ્ર ભયાનક હત્યાકાંડનો ખુલાસો એક ગુમસૂદગીની ફરિયાદથી થયો હતો. પરિવારના સભ્યો અચાનક રહસ્યમય રીતે ગાયબ થઈ જતા એક સંબંધીએ પોલીસ સ્ટેશનમાં મિસિંગ કંપ્લેન નોંધાવી હતી. પોલીસે જ્યારે ટેકનિકલ સર્વેલન્સ અને કોલ ડિટેલના આધારે તપાસ કરી, ત્યારે શંકાની સોય સીધી ઇન્દુશેખર તરફ ગઈ હતી. પોલીસે જ્યારે તેની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તેણે તમામ ભેદ ખોલી નાખ્યા હતા. હાલ પોલીસે નંદી હિલ્સ પાસેથી 7 વર્ષના પુનીતનો શબ કબજે કર્યો છે અને અન્ય લાશો તથા પુરાવાઓ શોધવા માટે સઘન તપાસ હાથ ધરી છે.
