ભરૂચ શહેરના ઝાડેશ્વર અનુભૂતિધામ ખાતે આયોજિત ‘સાયલેન્સ અનુભૂતિ ભઠ્ઠી’ સંપન્ન કરવામાં આવી હતી. જેમાં 150થી વધુ સાધકોએ આધ્યાત્મિક લાભ લીધો હતો.
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિધામ સેવાકેન્દ્ર ખાતે ગુજરાત ઝોન પ્રોજેક્ટ-2026 “સેવાકેંદ્ર બને શાંતિકુંડ” અંતર્ગત રવિવારે એક વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘સાયલેન્સ અનુભૂતિ ભઠ્ઠી’માં આસપાસના વિસ્તારમાંથી અંદાજે 150 જેટલા ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહીને રાજયોગ અને ગહન આંતરિક શાંતિનો દિવ્ય અનુભવ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં બી.કે. ચૈતાલીદીદી દ્વારા તમામ સહભાગીઓને ચંદનનું તિલક લગાવી આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાસ તૈયાર કરાયેલા પવિત્ર વાતાવરણમાં સૌને મૌન અને આત્મઅનુભૂતિની ગહન સાધના તરફ દોરી જવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતાં બી.કે. અમિતાદીદી ઉપસ્થિત સાધકોને વિવિધ રચનાત્મક યોગ પ્રયોગો, શક્તિશાળી મેડિટેશન કોમેન્ટ્રી, ઓમધ્વનિ અને સંગીતમય યોગના માધ્યમથી આત્મિક શાંતિની અનુભૂતિ કરાવી હતી. આ પ્રસંગે બી.કે. પ્રભાદીદીએ ઈશ્વરીય મહાવાક્યોનું વાચન અને આત્મચિંતન કરાવતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં આંતરિક શાંતિ અને આધ્યાત્મિક સશક્તિકરણ અનિવાર્ય છે. કાર્યક્રમ દરમિયાન વિશ્વમાં શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવવા માટે વિશેષ ‘સાયલેન્સ વોક’ યોગ સત્ર પણ યોજાયું હતું. સમગ્ર કાર્યક્રમના અંતમાં વરિષ્ઠ બહેન બી.કે. પ્રભાદીદી દ્વારા સૌને પવિત્ર દૃષ્ટિ, ટોલી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ ભાઈ-બહેનોએ આ આયોજનને અત્યંત પ્રભાવશાળી ગણાવીને ભવિષ્યમાં પણ આવા આત્મિક શાંતિ પ્રદાન કરતા કાર્યક્રમો યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
