એશિયા કપ 2023 ના સુપર-4 ની મહત્વપૂર્ણ મેચમાં, શ્રીલંકાએ પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ડીએલએસના નિયમો અનુસાર આ મેચમાં શ્રીલંકાને 252 રનનો ટાર્ગેટ હતો જે તેણે 42 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ટીમની આ જીતમાં કુસલ મેન્ડિસે બેટથી મહત્વની ભૂમિકા ભજવી હતી અને 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ચરિથ અસલંકાએ પણ 49 અણનમ રન બનાવ્યા હતા. હવે શ્રીલંકાની ટીમ 17 સપ્ટેમ્બરે ભારત સામે ટાઈટલ મેચ રમશે.
આ મેચમાં શ્રીલંકાની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 8 રન બનાવવાના હતા, જેમાં પ્રથમ 3 બોલમાં માત્ર 2 રન જ બન્યા હતા. શ્રીલંકાએ ચોથા બોલ પર તેની 8મી વિકેટ ગુમાવી હતી. હવે શ્રીલંકાને જીતવા માટે છેલ્લા 2 બોલમાં 6 રન બનાવવાના હતા. અસલંકાએ પાંચમા બોલ પર ચોગ્ગો માર્યો અને છેલ્લા બોલ પર 2 રન લઈને ટીમને ફાઈનલમાં લઈ ગઈ.
આ મેચમાં જ્યારે શ્રીલંકાની ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે કુસલ પરેરાએ ઝડપી ગતિએ રન બનાવવાનું શરૂ કર્યું, પરંતુ 20ના સ્કોર પર 1 રન લેવાના પ્રયાસમાં પરેરા 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આ પછી બેટિંગ કરવા આવેલા કુસલ મેન્ડિસે પથુમ નિસાન્કાને ખૂબ જ સારો સાથ આપ્યો અને પ્રથમ 9 ઓવરમાં ટીમને વધુ આંચકો લાગવા દીધો નહીં. બંને ખેલાડીઓએ મળીને સ્કોર 57 રન સુધી પહોંચાડ્યો હતો.