Connect Gujarat
સ્પોર્ટ્સ

ફિફા વર્લ્ડકપ 2022 : લિયોનેલ મેસ્સીએ રચ્યો ઈતિહાસ, આર્જેન્ટિના ટીમે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું

ફિફા વર્લ્ડકપ 2022 : લિયોનેલ મેસ્સીએ રચ્યો ઈતિહાસ, આર્જેન્ટિના ટીમે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું
X

કતારમાં રમાઇ રહેલા ફિફા વર્લ્ડ કપ 2022 સીઝનમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલની બીજી મેચ શનિવારે મોડી રાત્રે રમાઈ હતી. આ મેચમાં લિયોનેલ મેસ્સીની ટીમે શાનદાર રમત બતાવી ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. આ સાથે આર્જેન્ટિનાએ પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

આ મેચની સાથે લિયોનેલ મેસ્સીએ પણ ઈતિહાસ રચી દીધો છે. આ તેની કારકિર્દીની એકંદરે એક હજારમી મેચ છે. આ ઉપરાંત મેસ્સી વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર આર્જેન્ટિનાના ખેલાડી બની ગયો છે. તેણે દિગ્ગજ મેરાડોનાને પાછળ છોડી દીધો છે. મેસ્સીએ વર્લ્ડ કપ ઈતિહાસમાં આ 9મો ગોલ કર્યો હતો.

વાસ્તવમાં મેચનો પહેલો ગોલ મેસ્સીએ કર્યો હતો. તેણે મેચની 35મી મિનિટે આ ગોલ કર્યો હતો. આ સાથે મેસ્સીએ વર્લ્ડ કપમાં ગોલન મામલે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ પાછળ છોડી દીધો છે. મેસ્સીના આ ગોલના કારણે આર્જેન્ટિનાએ પહેલા હાફમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી.

આ પછી બીજા હાફમાં ફરી એકવાર આર્જેન્ટિનાએ પોતાની આક્રમક રમત બતાવી અને 57મી મિનિટે બીજો ગોલ કરીને વિજયી લીડ મેળવી લીધી. આ બીજો ગોલ જુલિયન અલ્વારેઝે કર્યો હતો. જોકે આ પછી આર્જેન્ટિનાના એન્ઝો ફર્નાન્ડિઝે 77મી મિનિટે આત્મઘાતી ગોલ કર્યો હતો. આ ગોલ ઓસ્ટ્રેલિયાના ખાતામાં ઉમેરાયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં એક પણ ગોલ કરી શકી ન હતી. આ રીતે આર્જેન્ટિનાએ આ મેચ 2-1થી જીતી લીધી હતી.

હવે આર્જેન્ટિનાની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ્સ સાથે ટકરાશે. આ મેચ શુક્રવારે (9 ડિસેમ્બર) ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં જીતનાર ટીમ સેમીફાઇનલમાં સ્થાન મેળવશે. હવે લિયોનેલ મેસ્સી વર્લ્ડ કપ ટાઈટલ જીતવાથી માત્ર 3 જીત દૂર છે. ક્વાર્ટર ફાઈનલ જીતવા સિવાય મેસ્સીની ટીમ હજુ સેમીફાઈનલ અને ફાઈનલ જીતી શકી નથી.

Next Story