Connect Gujarat
સ્પોર્ટ્સ

વિશ્વ કપની શાનદાર શરુઆત, ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું, ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રએ શાનદાર ફટકારી સદી

વિશ્વ કપની શાનદાર શરુઆત, ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું, ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રએ શાનદાર ફટકારી સદી
X

વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રની શાનદાર સદીની ઇનિંગ્સના કારણે ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું. ન્યુઝીલેન્ડને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ હતો. ન્યૂઝીલેન્ડે માત્ર 36.2 ઓવરમાં 1 વિકેટે 283 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રએ શાનદાર સદી ફટકારી હતી.

જોકે, ઈંગ્લેન્ડના 282 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ન્યૂઝીલેન્ડને પહેલો ફટકો 10 રનના સ્કોર પર લાગ્યો હતો. વિલ યંગ કોઈ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ આ પછી ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રએ ઈંગ્લેન્ડને કોઈ તક આપી ન હતી.

ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્ર વચ્ચે બીજી વિકેટ માટે 273 રનની અણનમ ભાગીદારી થઈ હતી. ડ્વેન કોનવે 121 બોલમાં 152 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 19 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. રચિન રવિન્દ્ર 96 બોલમાં 123 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. તો બીજી તરફ, ઇંગ્લેન્ડ માટે માત્ર સેમ કુરનને સફળતા મળી.

આ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ રન બનાવ્યા હતા. જો રૂટે 86 બોલમાં 77 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી ફાસ્ટ બોલર મેટ હેનરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સને 2-2 સફળતા મળી હતી. રચિન રવિન્દ્રએ હેરી બ્રુકને આઉટ કર્યો હતો.

Next Story