બેડમિન્ટનમાં ભારતે મોટી સફળતા હાંસલ કરી છે. સ્વિસ ઓપન સુપર સિરિઝ 300 ટુર્નામેન્ટમાં સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સ ટાઈટલ જીતી લીધું છે. સાત્વિક અને ચિરાગની જોડીએ બ્રસેલ્સમાં રમાયેલી આખરી મેચમાં ચીનના રેન જિયાંગ યુ અને તાન કિએંગની જોડીને 54 મિનિટના મુકાબલામાં 21-19, 24-22થી પરાજય આપ્યો હતો. સાત્વિક-ચિરાગે પહેલી વખત સ્વિસ ઓપનનું ટાઇટલ જીત્યું છે. ઓક્ટોબર 2022માં ફ્રેન્ચ ઓપન સુપર 750 જીત્યા બાદ આ તેનું પ્રથમ ટાઇટલ હતું.
ફાઇનલ મેચમાં શરૂઆતથી જ સાત્વિક-ચિરાગની જોડી જોરદાર લયમાં હતી. જ્યારે બીજો સીડ ધરાવતા સાત્વિક-ચિરાગે પ્રથમ ગેમ 21-19ના માર્જિનથી જીતી લીધી હતી. જોકે બીજી ગેમમાં ચીની ખેલાડીઓએ ભારતીય જોડીને જબરજસ્ત સ્પર્ધા આપી હતી. આમ છતાં, સાત્વિક-ચિરાગે નાજુક પળોમાં તેમની ગતિ જાળવી રાખી હતી અને હરીફોને પછાડીને ખિતાબ જીતી લીધો હતો. સાત્વિક અને ચિરાગની જોડીએ સેમિ ફાઈનલમાં ત્રીજો સીડ ધરાવતી ઓંગ યુ સિન અને ટીઓ ઈ યીની જોડીને 21-19 17-21-21-17થી પરાજય આપ્યોનથી. અગાઉ ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કના જેપી બે અને લાસે મોલ્હડેને 15-21, 21-11, 21-14થી પરાજય આપ્યો હતો.