ભારતે ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 13મી વનડે શ્રેણી જીતી છે. ભારતે એક જ ટીમ સામે સતત સૌથી વધુ વનડે શ્રેણી જીતવાનો પોતાનો રેકોર્ડ યથાવત રાખ્યો હતો. આ મામલામાં પાકિસ્તાનની ટીમ બીજા નંબર પર છે, જેણે ઝિમ્બાબ્વે સામે સતત 11 વનડે શ્રેણી જીતી છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે પાંચ વિકેટે 351 રન બનાવ્યા હતા. ભારત તરફથી ચાર બેટ્સમેનોએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 35.3 ઓવરમાં 151 રનમાં સમેટાઈ ગઈ હતી અને 200 રનથી હારી ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં ભારતની આ બીજી મોટી જીત છે. અગાઉ 2018માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 224 રનથી હરાવ્યું હતું
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા શુભમન ગિલ અને ઈશાન કિશન ફરી એકવાર શાનદાર શરૂઆત કરી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 143 રનની ભાગીદારી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝમાં વનડેમાં ભારત માટે આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. આ બંનેએ 2017માં ધવન અને રહાણેનો રેકોર્ડ તોડ્યો હતો. કિશને શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી અને સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. ત્રીજા નંબરે આવેલા ઋતુરાજે આઠ રન બનાવ્યા હતા, પરંતુ ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા સંજુ સેમસને જોરદાર બેટિંગ કરી હતી. તે 41 બોલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 51 રન બનાવીને આઉટ થયો હતો.
શુભમન ગિલ 85 રન બનાવી આઉટ થયો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છ દાવમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે વન-ડે કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી.