વેસ્ટઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. તેણે આ મેચ એક ઇનિંગ્સ અને 141 રનથી જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સારી શરૂઆત કરી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ઈતિહાસમાં 23મી જીત હાંસલ કરી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે (32) અને ઈંગ્લેન્ડ સામેની (31)થી વધુ ટેસ્ટ જીતી છે. તો ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને 22-22 મેચમાં હરાવી છે.
મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં પાંચ વિકેટે 429 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને 271 રનની લીડ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજા દાવમાં 130 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી હતી. આ જીત સાથે રોહિત શર્માની ટીમ સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ 20 જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે. ભારતની એશિયા બહાર ઇનિંગ્સના માર્જિનથી સૌથી મોટી જીત છે.