ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન ડે સીરિઝ માટે ભારતીય ટીમની કરાઇ જાહેરાત

ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ બે વન ડે માટે જાહેર થયેલી ટીમમાંથી સીનિયર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં લાંબા સમય બાદ આર અશ્વિનનું પુનરાગમન થયું છે. કેએલ રાહુલને કેપ્ટન અને રવીન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન બનાવ્યો છે.
જોકે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ત્રીજી વનડે માટે ટીમમાં વાપસી કરશે. વર્લ્ડ કપ જેવી મોટી ઈવેન્ટને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ પ્રથમ બે વનડેમાંથી સીનિયર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે એ વાત પણ સામે આવી છે કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર થઈ શકે છે. અક્ષર પટેલની ઈજાના કારણે પસંદગીકારોએ તેના સ્થાને બદલવા અંગે વિચારવું પડશે. આર અશ્વિન અને વોશિંગ્ટન સુંદરને વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. આથી આ બંને ખેલાડીઓને ત્રણેય વનડે માટે ટીમમાં રાખવામાં આવ્યા છે. શક્ય છે કે અશ્વિન અને સુંદરમાંથી કોઈ એકને વર્લ્ડ કપની ટિકિટ મળે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે મેચ રમવાની છે. પ્રથમ ODI 22 સપ્ટેમ્બરે રમાશે જ્યારે બીજી ODI 24 સપ્ટેમ્બરે રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે મેચ 27 સપ્ટેમ્બરે રમાશે.