આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર અને વર્લ્ડ કપ વિજેતા લિયોનેલ મેસ્સીને પુરૂષ વર્ગમાં ફિફાના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ મળ્યો છે. જ્યારે મહિલા વર્ગમાં સ્પેનની Alexia Putellasને આ એવોર્ડ મળ્યો હતો. Alexia Putellasએ વર્ષ 2022માં બેલોન ડી'ઓર જીત્યો હતો.
મેસ્સીએ પેરિસના સેલે ખાતે સમારોહ દરમિયાન કહ્યું હતું કે આટલા લાંબા સંઘર્ષ પછી અને આટલા પ્રયત્નો કર્યા પછી મારા સ્વપ્નને સાકાર કરી શક્યો તે મારા માટે મોટી વાત છે.
જો કે, ફ્રાન્સના એમ્બાપ્પેને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. પરંતુ મેસ્સીએ તેને અહીં પણ હરાવીને આ એવોર્ડ જીત્યો હતો. સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે મેસ્સીને સૌથી વધુ વોટ મળ્યા હતા.
આ દરમિયાન મેસ્સીએ કહ્યું કે આ મારી કારકિર્દીની સૌથી સુંદર વસ્તુ છે. તે દરેક ખેલાડીનું સપનું હોય છે અને બહુ ઓછા લોકો તેને હાંસલ કરી શકતા હોય છે. ભગવાનનો આભાર કે હું આ કરી શક્યો.
મેસ્સીના જ દેશના લિયોનેલ સ્કાલોનીએ વર્ષનો સર્વશ્રેષ્ઠ કોચ અને અમિલિયાનો માર્ટિનેઝે વર્ષના સર્વશ્રેષ્ઠ કીપનો એવોર્ડ જીત્યો હતો. તેમના સમર્થકોને શ્રેષ્ઠ ચાહકોનો એવોર્ડ પણ મળ્યો હતો, જ્યારે ઈંગ્લેન્ડને મહિલા યુરો 2022 કપનો પુરસ્કાર મળ્યો હતો.
ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિનાએ ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ફિફા વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી રોમાંચક ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું.