ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 10 નવેમ્બર (ગુરુવાર)ના રોજ એડિલેડ ઓવલમાં રમાશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાનાર ફાઇનલમાં તેનો મુકાબલો પાકિસ્તાન સામે થશે.
ટીમ ઈન્ડિયાએ સુપર-12 સ્ટેજ દરમિયાન પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને સેમીફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. ભારતે પાકિસ્તાન, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેને હરાવ્યા હતા. જ્યારે તેને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઇગ્લેન્ડે સુપર-12 સ્ટેજમાં અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું હતું. આ સાથે જ તેને આયરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડની મેચ પણ ધોવાઈ ગઈ હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે જેમાં ટીમ ઇન્ડિયાએ 12 મેચ જીતી છે જ્યારે ઇગ્લેન્ડે 10 મેચ જીતી હતી. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે જેમાંથી ભારતે બેમાં જીત મેળવી છે. 2009 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો