મહિલા T20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમ ઈંગ્લેન્ડ સામેની રોમાંચક મેચમાં હારી ગઈ છે. ટીમ ઈન્ડિયા છેલ્લા બોલ સુધી લડતી રહી અને રિચા ઘોષે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ ઇગ્લેન્ડે 11 રનથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 5 વિકેટે 140 રન બનાવી શકી હતી. ભારત તરફથી વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 52 રન બનાવ્યા જ્યારે રિચા ઘોષે અણનમ 47 રન બનાવ્યા હતા. ભારતીય બોલર રેણુકા સિંહે 5 વિકેટ ઝડપી હતી.
આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી નેટ સાયવરે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડની સતત ત્રીજી જીત છે. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ અને આયરલેન્ડની ટીમને હરાવી હતી. ઈંગ્લેન્ડ ગ્રુપમાં તેની છેલ્લી મેચ 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ઈંગ્લેન્ડ ત્રણ મેચમાંથી ત્રણ જીત સાથે ટોપ પર છે. તેની પાસે છ પોઇન્ટ્સ છે. ભારત ત્રણ મેચમાં બે જીત સાથે બીજા સ્થાને છે. તેના ચાર પોઇન્ટ્સ છે. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. બંનેને બે-બે પોઇન્ટ્સ છે. આરલેન્ડ ત્રણમાંથી ત્રણેય મેચ હારી ચૂક્યું છે.