અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી. ઈ.એમ. ગુજરાતી માધ્યમ શાળા ખાતે શિક્ષક દિવસ નિમિત્તે અનોખા અને પ્રેરણાદાયી ‘સ્ટુડન્ટ્સ-એઝ-ટીચર્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ-8ના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા સંભાળી શિક્ષક તરીકેની જવાબદારી અને કાર્યપદ્ધતિનો અનોખો અનુભવ મેળવ્યો હતો. પ્રથમ પાંચ તાસ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોનું અધ્યાપન કરી શિક્ષક તરીકે પોતાની પ્રતિભા, આત્મવિશ્વાસ, નેતૃત્વક્ષમતા અને સંવાદકૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

આ આયોજનમાં માહીબેન પટેલે સુપરવાઇઝરની, જ્યારે દિશાંત કાયસ્થએ આચાર્યની ભૂમિકા ખૂબ જ સુંદર રીતે ભજવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવવાની સાથે શાળાના સંચાલન, શિસ્ત અને જવાબદારીનો પણ અનુભવ કર્યો હતો.

પ્રથમ પાંચ તાસ પૂર્ણ થયા બાદ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ વિદ્યાર્થીઓએ જ પોતાના હાથે સંભાળ્યું હતું. વિદ્યાર્થી કૃષા પટેલ અને માહી પટેલે સુંદર એન્કરિંગ દ્વારા સમગ્ર કાર્યક્રમને જીવંત અને રસપ્રદ બનાવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન શિક્ષકનું મહત્વ અને વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શિક્ષકની ભૂમિકા અંગે શાળાના શિક્ષિકા અરુણાબેન રાઠોડે વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શિક્ષક માત્ર પાઠ ભણાવનાર વ્યક્તિ નથી, પરંતુ વિદ્યાર્થીના વ્યક્તિત્વ, સંસ્કાર અને ભવિષ્યના ઘડવૈયા છે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય મિલિન્દ્રસિંહ કેસરોલા તથા સુપરવાઇઝર સ્વાતિબેન દીક્ષિતના માર્ગદર્શન હેઠળ તેમજ ધોરણ 8 ના શિક્ષકોના સથવારે કરવામાં આવ્યું હતું.