સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધનો વંટોળ

સુરક્ષા અને પાયાની સુવિધાઓ રામભરોસે

હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ રસ્તા પર ઉતરી

ભોજનમાંથી વારંવાર નીકળ્યા જીવજંતુઓ

વારંવારની ફરિયાદો છતાં તંત્ર મૌન

ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓએ વિવિધ ગંભીર સમસ્યાઓને લઈને ઉગ્ર હોબાળો મચાવ્યો છે. હોસ્ટેલમાં સુરક્ષાના મુદ્દા, પાયાની સુવિધાઓનો અભાવ અને સૌથી ગંભીર બાબત એ છે કે પીરસવામાં આવતા ભોજનમાંથી વારંવાર જીવજંતુઓ નીકળતા વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ભાવનગરની સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. વિદ્યાર્થીનીઓનો ગંભીર આક્ષેપ છે કે હોસ્ટેલના મેસમાં અવારનવાર પીરસવામાં આવતા ભોજનમાંથી ઈયળો અને જીવજંતુઓ નીકળે છે. આ ઉપરાંત હોસ્ટેલમાં પીવાના ચોખ્ખા પાણી, લિફ્ટ તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક ખામીઓ છે.

વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ, અગાઉ પણ તંત્ર અને રેક્ટરને આ અંગે અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. સ્થિતિ વણસતા વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલ પરિસરમાં જ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. બનાવની જાણ થતાં જ ABVPના કાર્યકરો પણ વિદ્યાર્થીનીઓના સમર્થનમાં સ્થળ પર દોડી આવ્યા હતા અને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા.

વિદ્યાર્થીનીઓના હોબાળા અને વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા. અધિકારીઓએ વિદ્યાર્થીનીઓની તમામ રજૂઆતો શાંતિથી સાંભળી હતી અને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.આ ઘટના સંદર્ભે પ્રાંત અધિકારી અક્ષર વ્યાસ તેમજ મામલતદાર સહિતના અધિકારીઓએ પણ મોડી  રાત્રે સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ સાથે બેઠક કરીને જે કંઈ પણ સમસ્યા છે તેનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

સમરસ હોસ્ટેલમાં અગાઉ પણ અનેકવાર આવી સુવિધાઓને લઈને ફરિયાદો ઉઠી ચૂકી છે. અધિકારીઓ દર વખતે આશ્વાસન તો આપે છે, પરંતુ સવાલ એ થાય છે કે શું આ વખતે તંત્ર દોષિતો સામે કોઇ કડક કાર્યવાહી કરશે કે પછી વિદ્યાર્થીનીઓને ફરી આવી અસુવિધાઓનો સામનો કરવો પડશે?