સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલના સંચાલકોએ કોરોનાના દર્દીનો મૃતદેહ રોડ પર રઝળતો મૂકી દેતા ભારે હોબાળો મચ્યો હતો, ત્યારે હોસ્પિટલનું બિલ નહીં ભરતા આવું કૃત્ય કરાયું હોવાનો મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યો હતો. બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડી બન્ને પક્ષકારોને સાંભળી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં ભગવાન નાયક નામના વ્યક્તિને 2 દિવસ અગાઉ તાવ આવતા તબીબને બતાવી દવા લેવામાં આવી હતી. જોકે, દર્દીને સારું નહીં થતા પરિજનોએ ફરી એકવાર તબીબને વાત કરી, ત્યારે તબીબે દર્દીને હોસ્પિટલ દાખલ કરી એક્સ-રે પાડવા સહિત માત્ર અઢી હજાર રૂપિયામાં સારું થઈ જશે તેમ કહ્યું હતું.
સમગ્ર મામલે મૃતકના પિતા ત્રિનાથ નાયકે જણાવ્યું હતું કે, મારા પુત્ર ભગવાન નાયકને એક્સ-રે પડાવ્યા બાદ વધુ ખર્ચ થયો હતો. જેમાં તબીબે 2 દિવસમાં 4500ની દવા મંગાવી હતી, ત્યારબાદ 10-10 હજાર એમ 2 વાર ડિપોઝીટ ભરવા અંગે પણ તબીબે જણાવ્યુ હતું. આખરે દીકરો મૃત્યુ પામ્યો તો હોસ્પિટલના સંચાલકોએ મૃતદેહને હોસ્પિટલ બહાર રોડ પર જ રઝળતો મૂકી દીધો હતો. જેમાં હોસ્પિટલનું બિલ નહીં ભરતા આવું કૃત્ય કરાયું હોવાનો મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યો હતો. જોકે પોલીસે ઘટના સ્થળે દોડી આવી બન્ને પક્ષકારોને સાંભળી વધુ તપાસ હાથ ધરી હતી.