સુરતના લીંબાયત વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સહજાનંદ સોસાયટીમાં માતા અને નાના દીકરાની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.  

સુરતના લીંબાયત વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. લીંબાયતની સહજાનંદ સોસાયટીમાં માતા અને નાના દીકરાની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે પ્રાથમિક વિગતો મુજબ, મિલકતની વહેંચણીને લઈને ચાલતા વિવાદમાં પરિવારના મોટા દીકરા શ્રીનિવાસે જ પોતાની માતા મલેશ્વરી અને નાના ભાઈ રાજુની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, મૃતક મલેશ્વરીના નામે ત્રણ દુકાનો આવેલી છે, જેમાંથી દર મહિને આશરે 60 હજાર રૂપિયાનું ભાડું આવતું હોવાની વિગતો સામે આવી છે. આ મિલકત ત્રણેય ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચવાના મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, માતા મિલકતની વહેંચણી કરવા તૈયાર ન થતાં મોટા દીકરા શ્રીનિવાસે આ ગંભીર પગલું ભર્યું હોવાની આશંકા છે.

માતા મલેશ્વરી અને નાના દીકરા રાજુની હત્યાની ઘટનાથી તેલુગુ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.