નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ
દર્દીના મોત બાદ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર ગાયબ
હોસ્પિટલમાં મૃતક મહિલાના પરિવારે મચાવ્યો ભારે હોબાળો
હોસ્પિટલના સ્ટાફ પર પરિવારજનોનો ચોરીનો આક્ષેપ
પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. સારવાર દરમિયાન મહિલાના મોત બાદ તેમના ગળામાંથી અંદાજે દોઢ લાખ રૂપિયાની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ગાયબ થઈ જતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો.
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા જયેશ નગરમાં રહેતા 40 વર્ષીય સીમાબેન પાટીલને તબિયત લથડતાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તબીબોએ સીમાબેનને મૃત જાહેર કર્યા હતા.
મહિલાને વોર્ડમાં ખસેડવાની પ્રક્રિયા દરમિયાન તેમના ગળામાં પહેરેલું આશરે 1.50 લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર અચાનક ગાયબ થઈ ગયું હતું. મંગળસૂત્ર ન મળતા પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલ સ્ટાફને પૂછપરછ કરી હતી.
એક તરફ સ્વજન ગુમાવવાનું અસહ્ય દુઃખ અને બીજી તરફ કિંમતી દાગીના ચોરાઈ જતાં પરિવારજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરિવારે હોસ્પિટલ સ્ટાફ કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા દાગીના ચોરી લેવાયા હોવાનો આક્ષેપ કરી હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો.CCTV કેમેરા અને સિક્યોરિટી હોવા છતાં આ ઘટના બનતા હોસ્પિટલ પ્રશાસનની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને હોસ્પિટલના CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સુરક્ષાના દાવા વચ્ચે ગાયબ થયેલુ મંગળસૂત્ર ચોરી કરનાર ગુનેગાર સુધી પોલીસ ક્યારે પહોંચી શકે છે.
