સુરતમાં આગામી લોકપ્રિય તહેવાર ચંદી પડવાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે.અને ઘારી વિક્રેતાઓને ત્યાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.  

સુરતમાં આગામી લોકપ્રિય તહેવાર ચંદી પડવાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ભારે એક્શન મોડમાં આવી ગયું છે. ચંદી પડવાના પવિત્ર દિવસે સુરતીઓ મોટા પ્રમાણમાં ઘારી આરોગતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે તંત્ર દ્વારા શહેરના જાણીતા ઘારી વિક્રેતાઓને ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે.

આ ખાસ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમે સુરતની અત્યંત પ્રખ્યાત ‘મોહન મિઠાઈ’ ખાતે અચાનક પહોંચીને ઘારીની ગુણવત્તા અંગે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોગ્ય અધિકારીઓ દ્વારા સ્થળ પરથી ઘારી તેમજ તેમાં વપરાતી સામગ્રીના જુદા જુદા નમૂનાઓ એકત્ર કરીને સીલ કરવામાં આવ્યા છે. આ તમામ લેવાયેલા સેમ્પલોને તાત્કાલિક ધોરણે પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.