/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/16123654/maxresdefault-107-111.jpg)
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એકવાર ફરી દીપડાનો આતંક સામે આવ્યો છે. ઘર આંગણે રમી રહેલી બાળકી પર દીપડાએ હુમલો કરી બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, ત્યારે બાળકીનો મૃતદેહ થોડે દૂર ખેતરમાંથી મળી આવતા વન વિભાગે દીપડાને વહેલી તકે પકડી લેવા પાંજરું ગોઠવવાની કામગીર હાથ ધરી હતી.
સુરતના માંડવી તાલુકાના મધરકુઈ ગામે ગત મોડી સાંજે યોગેશ ગામીતની દીકરી આરવી ઘરની બહાર પોતાના નાના ભાઈ સાથે રમી રહી હતી, ત્યારે અચાનક દીપડાએ આરવી ઉપર હુમલો કરી દીધો હતો. દીપડાએ આરવીને ગળાના ભાગેથી પકડી ખેતરમાં ઢસેળી ગયો હતો. જોકે નાના ભાઈએ બૂમાબૂમ કરતા ઘર પરિવારના લોકો દીપડા પાછળ દોડતા દીપડો આરવીને મૂકીને ખેતરમાં ભાગી ગયો હતો. જોકે પરિવાર આરવી સુધી પહોચે ત્યાં સુધી આરવીનું મોત થઇ ચૂક્યું હતું.
બનાવની જાણ વિસ્તારના ધારાસભ્યને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા છેલ્લા એક સપ્તાહથી વન વિભાગને જાણ કરવા છતાં વન વિભાગ દ્વારા પાંજરું નહિ ગોઠવાતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. ઉપરાંત વન વિભાગ દ્વારા જો દીપડાને વહેલી તકે પકડવામાં નહી આવે તો દીપડાને જાનથી મારી નાખવાની પણ ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી હતી.
જોકે બનાવની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે બાળકીના મૃતદેહને પીએમ અર્થે બોધાન પીએચસી ખાતે ખસેડ્યો હતો. દીપડાને પકડી પાડવા નજીકના ખેતરાડી વિસ્તારમાં પાંજરા ગોઠવવાની તેમજ ટ્રેપ કેમેરા ગોઠવવાની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત બાળકીના પરિવારજનોને વળતર ચૂકવવાની પણ બાહેધરી આપી હતી.