સુરતમાં ચાર યુવકોએ સાથે મળીને ગે એપથી ચેટ કરી યુવકને મળવા બોલાવી ત્યારબાદ તેને લૂંટી લીધો હોવાનું પણ સામે આવ્યું હતું.આ મામલામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે
સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવકને મળવા બોલાવી લૂંટી લીધો હોવાની ઘટના સામે આવી હતી. આ બાબતે ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગ્રિન્ડર નિયર બાય ગે ડેટિંગ અને ચેટ નામની એપ્લિકેશનમાં તેનો સંપર્ક હિતેશ નામના યુવક સાથે થયો હતો. ફરિયાદી દ્વારા એપ્લિકેશન 10 દિવસ પહેલા ડાઉનલોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ એપ્લિકેશનની મદદથી યુવક હિતેશ સાથે વાતચીત કરતો હતો.
હિતેશ દ્વારા ફરિયાદીને વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ઘનશ્યામ નગરની એક રૂમમાં મળવા માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યારે આ યુવક એપ્લિકેશન પર સંપર્ક થયેલા હિતેશને મળવા માટે ઘનશ્યામ નગરના રૂમ ખાતે ગયો અને રૂમમાં હિતેશ અને ફરિયાદી બંને વાત કરતા હતા, તે સમયે અજાણ્યા ત્રણ ઈસમો એકાએક જ રૂમમાં આવી ગયા હતા અને અહીંયા શું કરો છો તેવું કહીને ફરિયાદીનો મોબાઇલ લઈ લીધો હતો. બાદમાં ફરિયાદીને ધમકાવી તેના મોબાઇલમાંથી google pay ના માધ્યમથી 17,110 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા અને ત્યારબાદ ફરિયાદીને પોતાનો મોબાઈલ પરત આપી દીધો હતો.આ સમગ્ર મામલે વરાછા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે વરાછા પોલીસ દ્વારા હિતેશ અને નીતિન નામના બે ઈસમોને ધરપકડ કરવામાં આવી છે અને આ બંને આરોપીઓની પૂછપરછ પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહી છે.
