ટેક્સટાઇલ ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતા વીવર્સ હાલત કફોડી
કાચા માલના ભડકે બળતા ભાવ-મંદી વચ્ચે વીવર્સ ભીંસાયા
છેલ્લા 2 મહિનામાં યાર્નના ભાવમાં 40 ટકા સુધીનો વધારો
નાના યુનિટો બંધ થવાના આરે પહોંચતા ઉદ્યોગકારોમાં મુશ્કેલી
સમસ્યાના ઉકેલ માટે વીવર્સ દ્વારા મીટિંગ બોલાવવામાં આવી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા 2 મહિનામાં યાર્નના ભાવમાં 35થી 40%નો તોતિંગ વધારો થયો છે, ત્યારે નાના યુનિટો બંધ થવાના આરે પહોંચતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે.
સુરતના ધમધમતા ટેક્સટાઇલ ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતા વીવર્સ હાલ અત્યંત કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. એક તરફ માર્કેટમાં મંદી છે, અને બીજી તરફ કાચા માલના ભાવ ભડકે બળી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં યાર્નના ભાવમાં 40થી 45 ટકાનો બેફામ વધારો ઝીંકાતા નાના કારખાનેદારોની કમર તૂટી ગઈ છે. સુરતમાં કાર્યરત આશરે 50 હજાર વીવર્સ પૈકી 70 ટકા એવા નાના એકમધારકો છે, જેઓ બેંક લોનના હપ્તાનું ભારણ ધરાવે છે.
યાર્નના ભાવમાં 45%નો વધારો થયો છે, પરંતુ તેની સામે તૈયાર ગ્રે કાપડના ભાવમાં માત્ર 10 ટકાનો જ સુધારો નોંધાયો છે, જે વીવર્સ માટે બિલકુલ અપૂરતો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને ક્રૂડના ભાવ વધારાની સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર પડી છે, ત્યારે આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે વીવર્સ દ્વારા આગામી 25 તારીખે એક મીટિંગ બોલાવવામાં આવી છે. જેમાં ઇન્ડસ્ટ્રીઝને નુકસાનમાંથી કેવી રીતે ઉગારવી તે મુદ્દે વિગતવાર ચર્ચા કરીને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
