ચૌટા બજારમાં ગણેશ ઉત્સવનો અનોખો મહિમા
શ્રી માર્કંડેશ્વર યુવક મંડળનો ભક્તિમય પ્રયોગ
જંગલ થીમ અને અમરનાથ ધામના દર્શનથી ભક્તો ભાવવિભોર
બાબા અમરનાથની બરફની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર
ગણેશ મહોત્સવમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ
અંકલેશ્વર શહેરના ચૌટા બજાર સ્થિત શ્રી માર્કંડેશ્વર યુવક મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ આ વર્ષે સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવી રહ્યો છે.જંગલની થીમ અને બાબા અમરનાથની પ્રતિકૃતિએ ભક્તોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે.
અંકલેશ્વર શહેરના ચૌટા બજાર હાલ ગણેશમય બનીને ભક્તિના રંગે રંગાયું છે. શ્રી માર્કંડેશ્વર યુવક મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ આ વર્ષે સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવી રહ્યો છે. મંડળ દ્વારા ગણેશજીની નયનરમ્ય પ્રતિમાની સ્થાપના સાથે આસપાસ જંગલની થીમ પર ભવ્ય અને મનોરમ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે દર્શનાર્થે આવતા દરેક ભક્તને પ્રકૃતિના ગોદમાં હોવાનો અહેસાસ કરાવે છે.
આ ગણેશ ઉત્સવનું મુખ્ય આકર્ષણ બાબા અમરનાથની બરફની પ્રતિકૃતિ છે. શ્રી માર્કંડેશ્વર યુવક મંડળના અનોખા પ્રયાસથી ભક્તોને અંકલેશ્વરમાં જ પવિત્ર અમરનાથ ધામના દર્શનની અલભ્ય અનુભૂતિ થઈ રહી છે. બરફથી તૈયાર કરાયેલા બાબા બર્ફાનીના આ સ્વરૂપને જોઈને શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની રહ્યા છે. મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી દાદાના દર્શન અને મહાઆરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. સમગ્ર ચૌટા બજાર ‘જય શ્રી ગણેશ’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું છે.
