સુરત આરોગ્ય વિભાગનો સપાટો
શહેરના 14 ઝોનમાં દરોડાથી ફફડાટ
ભેળસેળિયાઓ પર મનપા ત્રાટકી
એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો જપ્ત
ઝુંબેશ સતત ચાલુ રહેશે: ફૂડ સેફટી ઓફિસર
સુરતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ અને ઉત્પાદકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે! પ્રતિબંધિત અને હાનિકારક એનાલોગ પનીર તેમજ નકલી ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા એકમો પર તંત્રએ કડક દરોડા પાડ્યા હતા.
સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાયેલી ખાસ ચેકિંગ ઝુંબેશ દરમિયાન માત્ર એક જ દિવસમાં 235 કિલોથી વધુ એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તંત્ર દ્વારા શહેરના અઠવા, રાંદેર અને ઉધના ઝોન-એ ના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી, જેમાં 14 જેટલી સંસ્થાઓમાંથી આ શંકાસ્પદ અને આરોગ્ય માટે જોખમી જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં ભેળસેળિયાઓ પર લગામ કસવા માટે મનપા દ્વારા દરેક ઝોનમાં 3 થી 4 વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો ગુપ્ત માહિતીના આધારે હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ડેરી આઉટલેટ્સ પર સતત દરોડા પાડી રહી છે.
એનાલોગ પનીર અને નકલી ચીઝ શરીર માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે તંત્રની આ લાલ આંખથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
